વૃદ્ધાવસ્થામાં હાડકા નબળા પડવાની તકલીફ - ઓસ્ટીઓપોરોસીસ
ઓસ્ટીઓપોરોસીસ એટલે શું?
ઓસ્ટીઓપોરોસીસ એટલે શું?
ઓસ્ટીઓપોરોસીસ એટલે હાડકા નબળા પડવાની બીમારી. આ બીમારી અનેક કારણોને લીધે ઉદભવી શકે. ઓસ્ટીઓપોરોસીસની બીમારીમાં હાડકાની અંદર પ્રોટીન અને કેલ્શીયમ ખૂબ ધટી જાય છે, અને પરિણામે નબળા પડેલ હાડકામાં દુ:ખાવાથી માંડીને ફેકચર સુધીની અનેક જાતની તકલીફો ઉભી થાય છે.
ઓસ્ટીઓપોરોસીસને કોને થાય?
ઉંમરની સાથે હાડકા નબળા પડવાની તકલીફ વધતી રહે છે. પચાસ વર્ષથી મોટી ઉંમરની ૧૩ થી ૧૮ ટકા સ્ત્રીઓ અને ૩ થી ૬ ટકા પુરૂષોને હાડકા નબળા પડવાની તકલીફ (ઓસ્ટીઓપોરોસીસ) થાય છે. આ ઉપરાંત બીજા ૩૦ થી ૫૦ ટકા લોકોના હાડકાં નબળાં પડવાની શરૂઆત થઇ ગઇ હોય છે જે ઓસ્ટીયોપેનીયા તરીકે ઓળખાય છે. આ હિસાબે વિશ્વમાં કરોડો લોકો આ બીમારીથી પીડાય છે. ઓસ્ટીઓપોરોસીસની તકલીફ થઇ હોય એમાંથી માત્ર ૧૦ થી ૨૦ ટકા દર્દીઓનું નિદાન અને સારવાર સમયસર થાય છે. બાકીના દર્દીઓ કોઇ કોમ્પ્લિકેશનનો ભોગ બને ત્યારે જ એમને આ તકલીફની જાણ થાય છે. આશરે દર ત્રણમાંથી એક રજોનિવૃત્ત સ્ત્રીને ઓસ્ટીઓપોરોસીસને કારણે ફેકચર થાય છે. દર વર્ષે એકલા અમેરીકામાં આશરે ૧૩ લાખ ફેકચરના બનાવો ઓસ્ટીઓપોરોસીસને કારણે બને છે. જેટલાં થાપાનાં હાડકાનાં ફેકચર થાય છે એમાંથી ૧૨ થી ૨૦ ટકા જેટલા લોકો એક વર્ષની અંદર મૃત્યુ પામે છે. અને આ પછી દર વર્ષે મૃત્યુદર વધતો રહે છે. ઘણી જાતની વૃદ્વની અપંગતા માટે ઓસ્ટીઓપોરોસીસ જવાબદાર હોય છે. આમ, ઓસ્ટીઓપોરોસીસને કારણે અનેક લોકોને તકલીફો થાય છે અનેે માટે એને અટકાવવાના અને એમાંથી સાજા થવાના બધા પ્રયત્નો કરવા જોઇએ.
ઓસ્ટીઓપોરોસીસને થવાનું કારણ શું?
શરીરના દરેકે દરેક હાડકાંમાં રોજે રોજ આંતરિક ઘટકો બદલાતા રહે છે, રોજ હાડકાંનો થોડો ભાગ નાશ પામે છે અને થોડો ભાગ નવો બને છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જે પ્રોટીન અને કેલ્શીયમ આજે હાડકાંમાં રહેલા છે તે આવતીકાલે બદલાય જાય છે. બચપણથી યુવાની સુધીના ગાળામાં હાડકા બનવાની પ્રક્રિયા ઝડપી હોય છે અને નાશ પામવાની પ્રકિયા ધીમી હોય છે. આશરે ૩૦-૩૫ વર્ષની ઉંમરે હાડકા બનવાની અને નાશ થવાની બંને પ્રક્રિયા ધીમી પડે છે અને બંનેની ઝડપ લગભગ એકસરખી જ રહે છે. આશરે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરે હાડકા નાશ થવાની; હાડકા બનવાની પ્રક્રિયા કરતા વધુ ઝડપી બને છે, પરિણામે દર વર્ષે ૦.૩ થી ૦.૫ ટકા જેટલો હાડકાનો ભાગ ઘટવા લાગે છે. સ્ત્રીઓમાં, માસિકસ્રાવ બંધ થવાની ઉંમરે (રજોનિવૃતિ ઉર્ફે મેનોપોઝ વખતે) હાડકાની નાશ થવાની પ્રક્રિયા અત્યંત વેગવાન બની જાય છે. કેટલીક સ્ત્રીઓમા તો હાડકાનો ૪૦ થી ૫૦ ટકા જેટલો મોટો જથ્થો રજોનિવૃત્તિ પછી ઘટે છે. સરેરાશ સ્ત્રીમાં આશરે ૧૫ ટકા જથ્થો આ ગાળા દરમ્યાન ઘટી જાય છે. સ્ત્રીમાં કરોડના મણકા, કાંડા પાસેના લાંબા હાડકા અને થાપાના હાડકામાં સૌથી વધુ ઘટાડો નોંધાય છે. જયારે પુરુષોમાં કાંડાના હાડકાને ખાસ અસર પહોંચતી નથી પરંતુ કરોડના મણકા અને થાપાના હાડકાનાં જથ્થામાં નોંધપાત્ર ઘટાડો દેખાય છે. આ રીતે ઉંમર વધવાની સાથે હાડકાનાં જથ્થો શા કારણે ઘટે છે એ હજી ચોકકસપણે જાણી શકાયું નથી. પરંતુ અમુક પરિબળો ધ્યાનમાં આવ્યા છે જેને કારણે હાડકા નબળા પડવાની પ્રક્રિયા વેગવાન બને છે. જેમને ઓસ્ટીઓપોરોસીસની બિમારી થાય છે એમાંથી મોટાભાગના લોકોનું વજન ઓછુ હોય છે અને સ્નાયુઓ ઓછા વિકસેલા હોય છે. ઓસ્ટીઓપોરોસીસની બિમારી બેઠાડુ-બિનકસરતી શરીરમાં જલદી પ્રવેશે છે. જે સ્ત્રીમાં વહેલી રજોનિવૃતિ (મેનોપોઝ) આવે છે એ સ્ત્રીમાં ઓસ્ટીઓપોરોસીસ થવાની શકયતા વધારે રહે છે. બીડી-સિગારેટ કે દારૂ પીનાર વ્યક્તિને ઓસ્ટીઓપોરોસીસ થવાની શકયતા વધુ રહે છે. વધુ પડતા એસિડીક (ખાટા પદાર્થો કે વધુ પ્રોટીનયુકત પદાર્થો) લેનારને પણ ઓસ્ટીઓપોરોસીસ થવાની શકયતા વધી જાય છે. જે વ્યક્તિના ખોરાકમાં કેલ્શીયમનું પ્રમાણ ઓછુ હોય એ વ્યક્તિઓને પણ ઓસ્ટીઓપોરોસીસ થવાની શકયતા વધુ રહે છે.
ઉંમર સાથે નિસ્બત ન ધરાવતા બીજા ઘણાં રોગોને કારણે પણ ઓસ્ટીઓપોરોસીસ થઇ શકે છે. શરીરમાં બનતા સ્ટીરોઇડ અંત:સ્રાવ (ગ્લુકોકોર્ટિકોસ્ટીરોઇડ) નું પ્રમાણ વધી જાય તો અથવા કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી આવી સ્ટીરોઇડ દવાઓ લેતો હોય તો એને ઓસ્ટીઓપોરોસીસ થઇ શકે છે. ડાયાબીટીસના દર્દીઓમાં પણ ઓસ્ટીઓપોરોસીસ થવાની શકયતા વધી જાય છે. કુપોષણ અને અપાચન ને કારણે પણ ઓસ્ટીઓપોરોસીસ થાય છે. સંધિવાના અમુક દર્દીઓમાં અમુક હલનચલન દુ:ખાવાને કારણે દર્દી કરી નથી શકતા આને લીધે એ સાંધાની આસપાસ આવેલ હાડકાંઓમાં ઓસ્ટીઓપોરોસીસ થાય છે. આ સિવાય પણ બીજા અનેક રોગોમાં ઓસ્ટીઓપોરોસીસ ઉર્ફે હાડકાં નબળા પડવાની તકલીફ શરૂ થઇ શકે છે.
ઓસ્ટીઓપોરોસીસના નિદાન માટે કઇ તપાસો થઇ શકે?
પોતાને ઓસ્ટીઓપોરોસીસ છે એની ખબર મોટાભાગના દર્દીને ફેકચર થયા પછી જ પડે છે. કેટલાંક નસીબદાર લોકોને અન્ય કારણોસર એક્ષ-રે કરાવવાથી ઓસ્ટીઓપોરોસીસની જાણ ફેકચર થયા પહેલાં થાય છે. હાડકાં નબળાં પડયા છે એની ચોક્કસ જાણ થાય એવાં કોઇ બાહ્ય લક્ષણો નથી. પરિણામે અમૂક મોંઘી તપાસ કરાવવાથી જ ઓસ્ટીઓપોરોસીસનું નિદાન થઇ શકે છે. સીંગલ ફોટોન એબ્સોર્સીઓમેટ્રી અને ડબલ ફોટોન એબ્સોર્સીઓમેટ્રી તરીકે ઓળખાતી 'બોન મીનરલ ડેન્સીટી માટેની તપાસો હાડકાંની ઘનતા ચકાસવામાં ઉપયોગી થાય છે. અલબત્ત આ તપાસા ઘણી મોંઘી અને જૂજ સ્થળોએ જ ઉપલબ્ધ છે.
બોન મીનરલ ડેન્સીટીની તપાસથી શું જાણવા મળે?
હાડકાની મજબૂતી અને જથ્થો તપાસવા માટે જાતજાતની તપાસ થાય છે પરંતુ સૌથી વધુ ચોકસાઇવાળી તપાસનું નામ છે - ડી.એક્ષ.એ. (ડયુઅલ એનર્જી એક્ષરે એબ્સોર્સીઓમેટ્રી). કમ્મરના મણકા અને થાપાના હાડકાની તપાસ જો આ મશીન દ્વારા કરવામાં આવે તો સૌથી વધુ ચોકકસ રિપોર્ટ મળે છે. પોર્ટેબલ ડી.એક્ષ.એ. મશીન દ્વારા પગની એડી, કાંડા કે આંગળીના હાડકાના જથ્થાની તપાસ પણ કરવામાં આવે છે. જુદા જુદા મશીનો દ્વારા જુદી જુદી તપાસ કરવામાં આવતી હોવાથી બધા રિપોર્ટ એકબીજા સાથે સરખાય શકાય એ માટે રિપોર્ટમાં ''T" અને ''Z" એમ બે આંકડા લખવામાં આવે છે.
''T" એંક એવુ દર્શાવે છે કે વીસ વર્ષની ઉંમરના સરેરાશ લોકોની સરખામણીએ દર્દીનાં હાડકામાં કેટલી મજબૂતી છે જો ''T" આંક માઇનસ ૨.૫ કરતાં ઓછો હોય તો હાડકા નબળા છે (ઓસ્ટીયોપોરોસીસની તકલીફ છે) એવું કહેવાય અને ટ આંક માઇનસ એક થી માઇનસ અઢી વચ્ચે હોય તો હાડકાં નબળા પડવાની શરૂઆત છે એવું કહી શકાય. ''Z" આંક એવુ દર્શાવે છે કે દર્દીની ઉંમરના જ સરેરાશ લોકોની સરખામણીએ દર્દીના હાડકાની કેટલી મજબુતી છે. જો ''Z" આંક ઓછો આવે તો (માઇનસ અઢીથી ઓછો) દર્દીને ઉંમર સિવાયની અન્ય કોઇ બીમારીને કારણે હાડકાં નબળા પડવાની તકલીફ થઇ છે એવુ કહી શકાય.
બોનૈ મીનરલ ડેન્સીટી માટેની તપાસ કોણે કરાવવી?
આ હાડકાની મજબૂતી માટેની (બોન મીનરલ્સ ડેન્સીટીની) તપાસ નીચે જણાવેલ લોકોએ કરાવી લેવી જોઇએ. (૧) રજોનિવૃત્ત સ્ત્રીઓ (૨) એક્ષ-રેમાં મણકા નબળા પડવાના ચિન્હો દેખાયા હોય (૩) ત્રણ મહીના કરતાં વધુ સમયથી સ્ટીરોઇડ દવા ચાલુ હોય (૪) પેરાથાઇરોડ અંત:સ્ત્રાવ વધવાની બીમારી (૫) દવા લેવાની કે અન્ય સારવારથી હાડકાં નબળા પડતા અટકયા કે નહીં તે જોવા માટે દર વર્ષે આ ટેસ્ટ કરાવી શકાય.
ઓસ્ટીઓપોરોસીસની સારવાર શું?
ઓસ્ટીઓપોરોસીસ થઇ ગયા પછી એને સારુ કરવાનું ઘણું મુશ્કેલ છે. દર્દીને ફેકચર ન થાય એ હેતુથી જ મોટાભાગની સારવાર કરવામાં આવે છે. આ રોગ અટકાવવા માટે નિયમિત ચાલવાની કે અન્ય કસરત કરતાં રહેવું જોઇએ. ખોરાકમાં રાગી-બાજરા જેવા ધાન્ય; ચણા, રાજમા, સોયાબીન જેવા કઠોળ; બધી લીલી ભાજીઓ; તલ, જીરુ, અજમો, હળદર વગેરે મસાલાઓ; કોઠુ, સીતાફળ, ફાલસા, ખજૂર, સૂકી દ્રાક્ષ વગેરે ફળો અને દૂધ અને એની પેદાશો વધારે પ્રમાણમાં લેવી જોઇએ. આ બધા ખોરાક વધુ માત્રામાં લેવાથી કેલ્શીયમની અછત થતી અને હાડકા નબળા પડતાં અટકાવી શકાય છે. ખોરાકમાં આ બધી વસ્તૂ પૂરતાં પ્રમાણમાં ન લેનાર વ્યક્તિએ કેલ્શીયમ અને વિટામીન ડીની ગોળી લેવી જોઇએ. દારૂ-તમાકુના વ્યસનથી દૂર રહેનાર અને ખોરાકમાં મીઠુ ઓછુ ખાનાર વ્યક્તિના હાડકા મજબૂત રહે છે. ઘણા દેશોમાં સારવાર માટે સૌ પ્રથમ ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોન અને કેલ્શીયમ-વિટામીન ડીની ગોળીઓ વપરાય છે. તાજેતરમાં ઈસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનની આડઅસરો ધ્યાનમાં આવવાથી હાડકા મજબુત કરવાની નવી નવી દવાઓ શોધાયા કરે છે. અલેન્ડ્રોનેટ અને રોસીડ્રોનેટ નામની બાયફોસ્ફોનેટ જુથની દવાઓ નબળા પડી ગયેલ હાડકાની મજબુતી એક વરસની અંદર નોંધપાત્ર પ્રમાણમાં વધારી આપે છે. અલબત્ત, આ અને મોટાભાગની નવી દવાઓ મોંઘી અને અમુક પ્રકારના દર્દીઓમાં જ અસર કરે છે. કેલ્શીટોનીન નામના અંત:સ્ત્રાવની દવા નાકના સ્પ્રે સ્વરૂપે મળે છે જે હાડકાને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. જે વ્યક્તિના શરીરમાં વિટામીન ડી પૂરતી અસરકારકતાથી કામ ન કરી શકતું હોય એમાં કોલ્સીટ્રાયોલ નામનું વિટામીન ડીનું જ અન્ય સ્વરૂપ આપવામાં આવે છે જે અસરકારક હોય છે. ફલોરાઇડને ખોરાકમાં લેવાથી પણ હાડકાનો જથ્થો વધે છે. અલબત્ત આ બધી નવી દવાઓની આડઅસર હોય છે અને ડોકટરની સલાહ વગર કોઇપણ દવા લેવી જોઇએ નહીં.
ઓસ્ટીઓપોરોસીસ થતો અટકાવવા શું કરવું?
(૧) કસરત :- કાયમ, નિયમિત કસરત કરવાથી હાડકા નબળા પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. નાનપણથી જ કસરત કરવાની ટેવ હાડકાને મજબૂત રાખે છે. ચાલવાની, દોડવાની, દોરડા કુદવાની કે ચડવાની કસરતો જેમાં શરીરનું વજન હાડકાઓ પર આવે છે તે ઓસ્ટીઓપોરોસીસ અટકાવવા માટે ખૂબ ઉપયોગી છે. રોજની ઓછામાં ઓછી અડધો કલાક સુધી કસરત કરવી જોઇએ.
(૨) ખોરાક (કેલ્શીયમ અને વિટામીન ડી) :- વ્યક્તિના ખોરાકમાં કેલ્શીયમનું પૂરતુ પ્રમાણ હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વિકસિત દેશોનાં ઘણાં બધા અભ્યાસો જણાવે છે કે, ત્યાંના બાળકો અને યુવાનો શરીરની જરૂરિયાત કરતાં ઓછુ કેલ્શીયમ લે છે અને વૃદ્ધો તો ખૂબ ઓછા પ્રમાણમાં કેલ્શીયમ લે છે. જેને કારણે હાડકા નબળા પડવાની તકલીફ વ્યાપક પ્રમાણમાં છે. આ જ રીતે મોટા ભાગના વૃદ્ધોમાં વિટામીન ડીનું પ્રમાણ પણ ખૂબ ઓછુ હોય છે. વિટામીન ડી, ખોરાકમાંથી કેલ્શીયમને લોહી સુધી પહોંચાડવામાં અને નવા હાડકા બનાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વૃદ્ધાવસ્થામાં ઘરમાં જ ભરાઇ રહેતી વ્યક્તિઓને પૂરતો સુર્યપ્રકાશ ન મળવાથી શરીરમાં વિટામીન ડીનું યત્પાદન ઓછુ થાય છે. આવી વ્યક્તિએ દવા સ્વરૂપે વિટામીન ડી લેવું પડે છે.
રાગી-બાજરા જેવા ધાન્ય; ચણા, રાજમા, સોયાબીન જેવા કઠોળ; બધી લીલી ભાજીઓ; તલ, જીરુ, અજમો, હળદર વગેરે મસાલાઓ; કોઠુ, સીતાફળ, ફાલસા, ખજૂર, સૂકી દ્રાક્ષ વગેરે ફળોમાં કેલ્શીયમ વિપુલ પ્રમાણમાં હોય છે. દૂધમાંથી પણ કેલ્શીયમ ઘણુ મળે છે. આ બધા ખોરાક વધુ માત્રામાં લેવાથી કેલ્શીયમની અછત થતી અને હાડકા નબળા પડતાં અટકાવી શકાય છે. પૂરતો ખોરાક ન લેનાર વ્યક્તિએ કેલ્શીયમ અને વિટામીન ડીની ગોળી લેવી જોઇએ.
(૩) દારૂ અને તમાકુના વ્યસનથી મૂક્તિ :- જે વ્યક્તિ દારૂ અને તમાકુનું સેવન નથી કરતી એ વ્યક્તિના હાડકા આવું વ્યસન કરનાર વ્યક્તિ કરતાં વધુ મજબૂત રહે છે.
(૪) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ગોળીઓ :- જે સ્ત્રીને ખૂબ વહેલી રજોનિવૃતિ આવી જાય છે એવી સ્ત્રીઓમાં ઓસ્ટીઓપોરોસીસ થવાની શકયતા ખૂબ વધી જાય છે પરંતુ જો આવી સ્ત્રીઓને થોડા વર્ષો સુધી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્રાવની ગોળી (જે અંત:સ્રાવ ગર્ભનિરોધક ગોળીમાં આવે છે એ) આપવામાં આવે તો એટલાં વર્ષો સુધી ઓસ્ટીઓપોરોસીસને દૂર રાખી શકાય છે. જો સ્ત્રીનું ગર્ભાશય ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવ્યુ હોય તો માત્ર ઇસ્ટ્રોજનની ગોળી પણ આપી શકાય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ભેગી ગોળી લેનાર સ્ત્રીને દર મહિને માસિકસ્રાવ જેવો જ રકતસ્રાવ થાય છે જે ઘણી સ્ત્રીઓને પસંદ નથી પડતું. વળી, આ દવા જયાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ એની અસર રહે છે અને દવા બંધ કરતાની સાથે જ અસર નાબૂદ થઇ જાય છે. આ અંત:સ્રાવ લેવાથી ગર્ભાશય અને સ્તનના કેન્સરની શકયતાઓ વધી જાય્ર છે. આ બધા કારણોસર જે સ્ત્રીનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યુ હોય તેને અથવા જે સ્ત્રીને નાની ઉંમરે રજોનિવૃતિ (મેનોપોઝ) આવી ગઇ હોય એ સ્ત્રીને જ આ ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે. અન્ય સ્ત્રીઓમાં ગોળીથી થતાં ફાયદા (હાડકા અને હ્રદયરોગથી બચાવ) અને ગેરફાયદા (કેન્સરની શકયતા, માસિક/અનિયમિત સ્રાવ) ની જાણ કરી એની પસંદગી પ્રમાણે દવા અપાય છે. તાજેતરમાં ઈસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનની હ્રદય પરની આડઅસરો ધ્યાનમાં આવવાથી એનો વપરાશ ખૂબ સાવચેતીપૂર્વક અને મર્યાદિત કેસોમાં જ કરવો જોઇએ.
આભાર સહિત
ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
સીનીયર કન્સલ્ટન્ટ - જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન
એમ. એસ. ઑર્થોપેડિક્સ - પૉસ્ટ ડૉક્ટરલ ફેલોશીપ ઈન ઍડ્વાન્સડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ અને
સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જરી યુનિવર્સિટી ઑફ ટૉરોન્ટૉ – કેનેડા
ફોન : +91 9099091907

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.png)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.png)
.jpg)
.jpg)
.jpg)
.jpeg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.png)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpeg)

.jpg)